આજ નમન કરીએ મા-બાપને
દીધો રૂડો રુપાળો જનમ અમને,
પા, પા, પગલી પાડતા,
દોડતા પાછળ દોટ મૂકી..નમન કરીએ હાથ જોડી.
તમો ગુરૂ, તમો દેવો,
તમો તો ઈશ્વરથી પણ પ્યારા,
જગતમાં તમો સૌ થી ન્યારા..નમન કરીએ હાથ જોડી,
અમો બાળનાના,
કાલી, કાલી વાતો કરી,
તમોને રીઝવનારા…નમન કરીએ હાથ જોડી,
દિવાળી આજ આવી,
આપના ચરણમાં શીશ નમાવી,
વંદન કરીએ આજ આપને..નમન કરીએ હાથ જોડી,
અમેરિકામાં રહેતા અને જન્મેલા આપણાં બાળકો ને પણ આપણી ગુજરાતી ભાષાનું જ્ઞાન રહે એ જરૂરી છે.આ વિભાગમાં નાની કવિતા, નાની વાતૉઓ આપણે મુકીશું.આશા છે કે સૌ બાળકો ને ગમશે.
.
અહો નાથ ! ઉભા અમે હાથ જોડી,
કરો રંક સામે ક્રુપાદ્રષ્ટિ થોડી,
સદા તાપ ને પાપથી તો ઉગારો,
અમે માંગીયે ઈશ ઓ ! પ્રેમ તારો.
**************************
દિવાળી આવી,
શું શું લાવી?
મીઠી મીઠી મિઠાઈ લાવી,
દિવાળી આવી..
ભાવતા, ભાવતા ભોજન લાવી,
ઘરમાં-બા’ર દિવા લાવી,
દિવાળી આવી..
એક અનેરો આનંદ લાવી,
ખુશીઓનો ખજાનો લાવી,
દિવાળી આવી..
સંગે મળીએ ,
ભેદ ભાવ ભુલીએ,
સાથ મળી સૌ અન્ન્કુટ ખાઈએ.
દિવાળી આવી..
***************************************
ધનતેરશ
થન, થન કરતી તેરશ આવી,
આવો મિત્રો, ધનતેરશ આવી.
મોઢુ મીઠુ, મન મલકતું સૌ રાખીએ,
કંકુ તિલ્લક , આંગણે સાથીયો,
આજ હરખાતી લક્ષ્મી આવી.
***************************
વારતા રે વારતા..
વારતા રે વારતા.. ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા, છોકરાંને સમજાવતા,
એક છોકરો રિસાયો, કોઠી પાછ્ળ ભીંસાયો,
કોઠી પડી આડી, છોકરે ચીસ પાડી,
અરર માડી!
********************
અહલી દેજો, પહલી દેજો
મોટા ઘરનું માણું દેજો,
માણાં માંથી પાલી દેજો,
પાલીમાંથી પવાલી દેજો,
પવાલીમાંથી ખોબો દેજો,
ખોબામાંથી ધોબો દેજો,
મૂઠીમાંથી ચપટી દેજો,
દેશે એને પાધડિયો પુત્તર
નહી દે એને બાહુડો જમાઈ..
************************
આવ રે રૂપલી, રમીએ છ્બો,
ઘરને ખૂણે ખાલી ડબ્બો,
ચણાક બીબડી તલ રે તાતા,
મારી વેણીનાં ફૂલડાં રાતા.
***********************
હાલરડું
હાલાં વા’લા ને હલકી
આંગણે વાવો ગલકી.
ગલકીનાં ફૂલ રાતાં,
ભાઈનાં મામી માતાં,
મામી થઈને આવ્યાં,
ટોપીમાં છે નવલી ભાત,
ભઈલો રમે દી ને રાત.
*****************
મામાનું ઘેર કેટલે ?
દીવા બળે એટલે !
દીવા મેં તો દીઠા ,
મામા લાગે મીઠા !
મામી મારી ભોળી !
મીઠાઈ લાવે મોળી !
મોળી મીઠાઈ ભાવે નહી,
રમકડા તો લાવે નહી!
એક બિલાડી જાડી
એક બિલાડી જાડી
એણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં એ તરવા ગઈ
તળાવમાં તો મગ્ગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડી છેડો છૂટી ગયો
મગ્ગરના મોંમા આવી ગયો
મગ્ગર બિલ્લીને ખાઈ ગયો.
ચં. ચી. મહેતા
મારી માને એટલું કહેજો ,
પોપટ ભૂખ્યો નથી,
પોપટ તરસ્યો નથી
પોપટ સરોવર ની પાળ,
પોપટ આંબાની ડાળ્,
પોપટ કાચી કેરી ખાય ,
પોપટ પાકી કેરી ખાય ,
પોપટ લીલા લેહેર કરે,
બેઠો મ..જા કરે !!!
સાયકલ મારી સ..ર..ર ..ર .. જાય્,
ટ્રીન , ટ્રીન ટોકરી વગાડતી જાય,
ડોશીમા ડોશીમા આઘા ખસો,
આઘા ખસો નહી તો ચગદાઈ જશો !!
રસ્તામાં છીંકણી ના સૂંઘાય ,
વાતોમાં સાયકલ વાગી જાય્.
મોટા શેઠ, મોટ શેઠ ,
આઘા ખસો, પાઘડી પડશે
તો ગુસ્સે થશો !!
ચોપડા ચીતરી ચાલ્યા બજાર
આઘા ખસી ને કરજો વિચાર ….
આવ રે વરસાદ !!
આવ રે વરસાદ !
ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી,
ને કારેલાનું શાક,
આવ રે વરસાદ !
નેવલે પાણી..
નઠારી છોકરી ને દેડકે તાણી.
*****************
આવા મારા સૂરજ દાદા !!
ઉનાળામાં આવે વ્હેલા,
સાંજે વાળુ કરી જાય મોડા. આવા મારા સૂરજ દાદા..
શિયાળામાં લાગે ઠંડી ,
ઝટ પટ આવે,ઝટ-પટ જાય, આવા મારા સૂરજ દાદા..
ચોમસે એ ભીંજાય જાય,
દશૅન દઈ ને નવરંગ આપે.આવા મારા સૂરજ દાદા..
***********************************************
એક હતો રાજા..
એક હતો રાજા
ખાતો’ તો ખાજા
સોમવારે જનમ થયો
મંગળવારે મોટો થયો
બુધવારે બુધ્ધિ આવી
ગુરૂવારે ગાદીએ બેઠો
શુક્રવારે શિકારે ગયો
શનિવારે માંદો પડ્યો
રવિવારે મરી ગયો…
***************
નદી કિનારે ટામેટું, ટામેટું,
ઘી-ગોળ ખાતું’તું, ખાતું’તું,
નદીએ નાવા જાતું’તું, જાતું’તું,
*********************
પોપટ ભૂખ્યો નથી..
ગાયો નો ગોવાળ,
ગાયો નો ગોવાળ,
મારી માને આટલું કે’જે
મારી માને આટલું કે’જે-
પોપટ ભૂખ્યો નથી
પોપટ તર્સ્યો નથી
પોપટ આંબાની ડાળ
પોપટ સરસવની ડાળ
બેઠો બેઠો
રામ, રામ બોલે..
*****************
અટક મટકની ગાડી બનાવી
મેડક જોડ્યા ચાર
લાલિયા મોચીએ ચકલો માર્યો
ચકલી વેર વાળવા જાય.
*******************
આવરે કાગડા કઢી પીવા…
ચણ ચણ બગલી ચણાની દાળ
હું પપૈયો તું મગની દાળ
શેરીએ શેરીએ ઝાંખ દીવા
આવ કાગડા કઢી પીવા.
ગણ ગણ ગાંઠીયા તેલ તેલ પળી
ઊઠ રે લાલિયા ઝૂંપડી બળી
બળતી હોયતો બળવા દે
ઠરતી હોય તો ઠરવા દે
આવરે કાગડા કઢી પીવા..
************************
એન ઘેન..
એન ઘેન દીવા ઘેન
ડાહીનો ઘોડો
ખડ ખાતો
પાણી પીતા
રમતો જમતો છુટ્ટો..
હાથમાં લાકડી
કમળ કાકડી
ભાગો ભીત્તુ ઘોડો ચાલ્યો
દોડૉ દોડો, ના પકડશો
ડાહીનો ઘોડો
રમતો જમતો છુટ્ટો….
*****************
ડોશી, ડોશી, ક્યા ચાલ્યા?..”છાણાં વીણવાં”
છાણાં માંથી શું જડ્યું ?..” રૂપિયો”
રૂપિયાનું શું લીધું? ગાંઠીયા
ભાગે તમારા ટાંટીયા”
ઊભો રે! મારા પિટ્યા…
********************
ઉપરના બાળ -ગીતો મારા પરંમ મિત્ર .સૂમન અજમેરીની બુક” લોકજીભે રમતા જોડણાં” માંથી લીધા છે.
***************************************************************
તારી માનો તૂં,
ધીક્કો મારું હું,
પૈસો લાવ તું,
ભાગ ખાવું હું…
*************
રામ નામ રીંગણા,
ગોપાળ નામ ઘી,
ક્રષ્ણ નામ કેરી,
ઘોળી , ઘોળી પી..
****************
રામ કરે રીંગણા,
ભીમ કરે ભાંજી,
ઊઠો ઠાકોરજી.. ટંકોરી વાગી,
ટીન, ટીન ,ટીન..
******************
( મિત્રશ્રી.સુમન અજમેરીની બુક” લોકેજીભે રમતા જોડકણાં”માંથી સાભાર..)
વારતા રે વારતા વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોર લાવતા
છોકરાંને સમજાવતા. એક છોકરો રિસાયો
કોઠી પાછળ ભીંસાયો
કોઠી પડી આડી
છોકરાએ ચીસ પાડી
અરર ..માડી..!
**************
અહલી દે જોઅહલી દે જો, પહલી દેજો
મોટા ઘરનું માણું દેજો
માણામાંથી પાલી દેજો
પાલીમાંથી પવાલું દેજો.પવાલી માંથી ખોબો દેજો
ખોબામાંથી ધોબો દેજો
ધોબામાંથી મુઠ્ઠી દેજો
મુઠ્ઠી માંથી ચપટી દેજોદેશે એને પાઘડીયો પુત્તર
નહીં દે એને બાકુડો જમાઈ.
*******************
ઉખાણાં માટેના જોડકણાં…એક થાળ મોતીએ ભર્યો
માથા ઉપર ઊંધો ધર્યો
ગોળ ગોળ થાળ ફરે
મોતી એકેય નવ ખરે…( જવાબ.. આકાશ)
કાળો છે પણ કાગ નહીં
દરમાં પેસે પણ નાગ નહીં
ઝાડે ચડે પણ વાનર નહીં
છ પગ પણ પંતગિયું નહીં…( જવાબ .. મંકોડો)
ધોળું ખેતર, કાળા ચણા
હાથે વાવ્યા, મોંએ લણ્યા…( જવાબ.. અક્ષર)
હાલે છે પણ જીવ નહીં
ચાલે છે પણ પગ નહી
બેઠક છે પણ બાજઠ નથી
ખવાય છે , પણ ખૂટતો નથી…( જવાબ..હીંચકો)
અરડ્યો મરોડ્યો
થૂંક લગાવી પરોવ્યો…( જવાબ..સોય-દોરો)
બે બહેનો રડી રડી ને થાકે
પણ ભેગી થાયજ નહીં….( જવાબ..આંખો)
લાલ કિલ્લામાં કાળા સિપાહી
લીલી દિવાલમાં ગયા સમાઈ…( જવાબ..તડબુચ)
ઢીંચણ જેટલી ગાય
નીરે એટલું ખાય…( જવાબ.. ઘંટી)
રાતા ચણા ને પેટમાં પાણા
ખાતા એને રંક ને રાણા…( જવાબ.. ચણીયા બોર)
આટલીક દડી ને હીરે જડી
દિવસે ખોવાણી રાતે જડી…( જવાબ.. તારા)
લાંબો છે , પણ નાગ નહીં
કાળો છે પણ નાગ નહીં
તેલ ચઢે , હનુમાન નહી
ફૂલ ચઢે, મહાદેવ નહીં….( જવાબ.. ચોટલો)
પઢતો , પણ પંડિત નહીં
પૂર્યો પણ ચોર નહીં
ચતૂર હોય તો ચેતજો
મધૂરો, પણ મોર નહી….( જવાબ.. પોપટ)..******************************
એક સંયુક્ત કુટુંબમાં ત્રણ ત્રણ દીકરા વહુ સાથે અને મા-બાપ પણ્ સાથે રહેતા હતા. ઘરનું ગુજરાન માંડ, માંડ ચાલે,વેપાર પણ બરોબર ચાલતો નહોતો કોઈ રીતે ઘરના ચાર છેડા ભેગા ન થાય , દરિદ્ર-નારાયણ ઘરમાં બરોબરનો અડ્ડો જમાવી બેઠા હતા. આનો કોઈ ઉપાઈ ખરો! સૌ મુઝવણમાં હતાં ! સસરા ઘરનો વહિવટ ચલાવે પણ જ્યાં લક્ષ્મી દેવીજ રિસાયેલી હોય ત્યાં નગદ-નારાયણ પણ દૂર ભાગે! સસરાએ એક ઉપાઈ સુઝ્યો કે ચાલ દરેક દિકરાને વેપાર અને ઘરનો વહિવટ ચલાવાની તક આપું અને કઈ વેપારમાં ફેર પડે અને દરિદ્રત્તા ઓછી થાય! મોટા દિકરાથી શરૂયાત કરી પણ કોઈ વેપારમાં તફાવત ના પડ્યો કે ગરીબાઈમાં! પછી બાકીના બે દીકરા પણ કશું કરી ના શક્યા. સાસરા ને વિચાર આવ્યો કે આ કામ નાનીવહું ને આપું તો! નાનીવહુને પૂછ્યું કે બેટી થોડા સમય માટે તું વેપાર અને ઘરનો વહિવટ સંભાળ . નાનીવહુ એ કહ્યું કે હું સંભળાવા તૈયાર છું પણ હું જે કહુ તે સૌ એ માનવાનું . જો એ મંજૂર હોય તો મને વાંધો નથી. બીજી શરત એ કે તમે બહાર જાવ અને રસ્તામાં કોઈ પણ વિચિત્ર વસ્તું પડી હોય તે ઉઠાવી લાવી મને આપવાની કોઈ જાતની એમાં દલીલ નહી! શરત વિચિત્ર લાગી પણ સૌ એ વાત મંજૂર રાખી.
સસરા એક વખત બહાર ફરીને ઘર પાછાઆવ્યા અને આવીને નાની વહુને કહ્યું કે આજે મેં રસ્તામાં એક મરેલો સાપ જોયો ! નાની વહુ એ કહ્યુ કે જાવ એ મરેલા સાપને ઘેર લાવી આપણા ઘરના છાપરા પર ફેંકી દો! સસરાને વાતની નવાઈ લાગી પણ વહુની શરત મુજબ કોઈ દલીલ કર્યા વગર સાપને ઘેર લાવી ઘરના છાપરા પર ફેકી દીધો.
એજ ગામમાં જે રાજા રહેતા હતા તેની મહારાણી નદીએ ન્હાવા ગઈ અને પોતાનો નવલખો હાર બાજુમાં મૂકી ન્હાતી હતી તે દરમ્યાન્ આકાશમાં ઉડતી સમળી હાર ચાચમાં લઈ ઉડી ગઈ. મહારાણી ન્હાઈ પાછી ફરી તો હાર નહી , રાણી રડવા લાગી ઘેર આવી રાજાને ફરિયાદ કરી કે મારો કિંમતી અને મન-ગમતો હાર ગૂમ થઈ ગયો છે! રાજા કહે કે હું તને બીજો મંગાવી આપું. રાણી એ જીદ કરી કે એ મારો પ્રિય હાર હતો અને એ જ મારે જોઈએ! સ્ત્રી હઠ ! રાજાએ નમતું મુક્યું અને ગામમાં એલાન કર્યું કે જે ખોવાયેલો હાર લાવી આપશે તેને મન-ગમતું ઈનામ આપવામાં આવશે!
આ બાજુ સસરાને એક દિવસ અચરબ થઈ કે લાવ જોવું તો ખરો કે એ મરેલા સાપનું શું થયું! તે છાપરા પર જુવે તો ત્યાં સાપની જગ્યાં એ સોનાનો નવલખો હાર પડેલો હતો!
તો એ ઘટના એવી હતી કે જે સમળી રાણીનો હાર લઈ ઉડતી હતી તે સમળી છાપરા પર મરેલો સાપ જોઈ તે ઉઠાવવા ગઈ અને તેના ચાચમાંથી સોનાનો નવલખો હાર છાપરા પર રહી ગયો. સસરાતો ખૂશ થઈ નાની વહુને નીચે આવી ખૂશીના સમાચાર આપ્યા કે નાનીવહુ આપણે તો હવે આ હાર વેચી માલમ-માલ થઈ જશું ! તારી યુક્તિ કામમાં આવી! નાનીવહુ એ કીધુ કે ના , આ હાર રાણી ને છે અને તમે રાજાને પાછો આપી આવો. સાસરા એ કહ્યુ કે રાજા આપણને મન-માગ્યું ઈનામ આપશે!આપણે એ પૈસાથી સારો એવો વેપાર કરી માલદાર થઈ જશું! નાનીવહુ એ કયું કે ના એ પણ નહી તમે આ હાર રાજા ને આપી એટલું જ કહેવાનું કે મારે કશું જોઈતું નથી પણ આ જે દિવાળી આવે છે તે દિવાળી રાતે આખા ગામમાં કોઈના ઘેર દિવા ન જોઈ એ! માત્ર તમારા મહેલમાં અને મારા ઘરમાંજ દિવા જોઈ એ! સસરા નારાજ થઈ ગયા! પણ નાનીવહુની શરત મુજબ રાજાની પાસે હાર આપવા ગયા અને નાનીવહુની શરત મુકી . રાજાએ કહ્યું કે એ મને મંજૂર છે કે આ આવતી દિવાળીએ તમારા ઘેર અને મારા મહેલમાંજ દિવા હશે!
દિવાળી આવી ! એજ રાતે આખા ગામામાં અંધારું! માત્ર રાજાના મહેલમાં રોશની અને દિવાનો જગ-મગાટ ! અને બીજી બાજુ સસરાજીના ઘરમાં નાનકડો દિવો અને દિવાળી પૂંજન! તે રાત્રે લક્ષ્મીદેવી ગામમાં ફરવા નીકળ્યાં . ગામમાં કોઈ જગ્યાં એ રોશની કે દિવા નહી તેથી લક્ષ્મીદેવી રાજાના મહેલામાં આવ્યા! ત્યાં એટલી બધી રોશની અને જગમગાટ હતો કે થોડીવારમાં લક્ષ્મીદેવીને ગભરામણ થવા લાગી! તને થયું કે થોડીવાર બહાર જવું! બહાર નીકળ્યા તો આખા ગામમાં અંધારુ ! દૂર દૂર એક નાના ઘરમાં દિવો જોયો ! લક્ષ્મીદેવી ત્યાં ગયાં, દરવાજો ખખડવ્યો ! અને કીધું કે મારે અંદર આવવું છે ! નાનીવહુ અંદર ધરમાંથી બોલી કે તમે લક્ષ્મીદેવી છો એની ખાત્રી શું ? લક્ષ્મીદેવી બોલી કે મને બહાર અંધારામાં અકળામણા થાય છે મને અંદર આવવાદે!નાનીવહુ બોલી કે એક શરતે આપને અંદર આવવા દઉં , એક વખત અંદર આવ્યા પછી બહાર નહી જવાનું! બોલો શરત મજૂંર છે? લક્ષ્મીદેવી જલ્દી જલ્દી બોલ્યા હા મંજૂરે છે ! નાનીવહુ એ દરવાજો ખોલ્યો , લક્ષ્મીદેવી ઘરમાં પધાર્યા. ઘરમાં ચારે બાજુ લક્ષ્મીનો ચળકાટ ! ઘરમાં ચારે બાજુ લક્ષ્મી , લક્ષ્મી !
આ બાજુ એજ ઘરમાં રહેતા દરિદ્ર નારાયણ મુંઝાવા લાગ્યાં, ઘરમાં લક્ષ્મીનું તેજ જોઈ એ છટકવાની યુકતીકરી, પોતાનું પોટલું ભેગું કરી, ભાગવાની તૈયારી કરવા લાગ્યાં! જ્યાં લક્ષ્મી હોય ત્યાં દરિદ્ નારાયણ રહી શકે ખરા! નાનીવહુ એ દરિદ્ગ્ર-નારાયણનો હાથ પકડી બોલી તમે ક્યાં ચાલ્યાં? તમે તો વર્ષૉથી આ ઘરમાં રહો છો ! દરિદ્ર-નારાયણ બોલ્યા ના મારો જીવ અહી રુધાય છે મને જવાદે ! નાનીવહુ બોલી એક શરતે તમને જવાદઉં! તમે અહીથી જાવ પછી કદી આ ઘરમાં આવવાનું નામ નહી લેતાં! હા , હા મંજૂર છે એમ કહી દરિદ્ર-નારાયણ દોટ મૂકી ભાગ્યાં ! બસ ત્યારથી એ ઘરમાં નાનીવહુના પ્રતાપે લક્ષ્મીનો સદાનો વાસ અને સાથો સાથ આનંદ-મંગલની આરતી થતી રહી!