વિશ્વ મારું છે, માનવી સૌ મારા છે,
દેશ-દેશના સૌ ભાઇ-ભાડું મારા છે.
એક સાથ રહી શાંતીથી રહીશું,
ભાત,ભાતના ચહેરા સૌ મારા છે.
સૂર્ય ડુબતા, અંધારા આવ્યા કરે,
આશાના કિરણો સૌ અમારા છે.
અમારું નાનું એક સ્વર્ગ બને અહીં,
ઉત્સાહ ને ઉમંગ અમારા છે.
સકળ બ્રહ્માંડમાં પૃથ્વી એક માતા,
શાંતીને વરનારા સૌ અમારા છે.

મારો ઉછેર મારા દાદીમાના લાડકોડમાં થયો છે. બેબી ફૂડ અને ડાઈપરથી માંડી પાપા પગલી..અને સ્કુલના પહેલા ધોરણ સુધીની જવાબદારી દાદીમાએ ઉપાડેલી. મારી મમ્મી અને ડેડી બન્ને જોબ કરે, સવારે છ વાગે નીકળી સાંજે વાગે આવે. કોઈ વાર ટ્રાફીકમાં જામ થઈ જાય તો સાંજે સાત વાગે પણ આવે, દાદીમા મારી સંભાળ સાથે બધા માટે રસોઈ પણ કરી રાખે,ઘરની સફાઈ પણ તેજ કરે. હું કદી બેબી-સીટીંગમાં ગયો નથી.
દાદીમાનો હું એટલો હેવાયો હતો કે રાત્રે એ સુંવાડે તો જ મને ઉંઘ આવે! કડકડતી ઠંડી, અને સ્નો પડતો હોય પણ હું જીદ કરું એટલે બિચારા દાદીમા જાડું જેકેટ પહેરાવી મને ફ્ર્ન્ટ-યાર્ડમાં લઈ જાય મને સ્નો-મેન બનાવવામાં હેલ્પ કરે!’બેટા, મને હવે ઠંડી લાગે છે,ચાલને ઘરમં હું તને લૉલીપપ આપીશ” એ લાલચે મને ઘરમાં લાવતાં ..યાદ છે…હું એમના રૂમમાંજ સુતો…નાની, નાની વાર્તા કહી મને સુંવડાવતાં, માથે વ્હાલભર્યો હાથ અને ગાલે ચુંબન!
દાદીમા અહીંના અમેરીકન સિટિઝન હતા,મારી સાથે ઘણીવાર ભાગ્યું-ટુટ્યું ઈગ્લીશ પણ બોલતાં,”નૉટી બૉય”.. મને યાદ છે કે એમને સોસીયલ-સિક્યોરીટીમાંથી છસ્સો ડૉલર આવતાં તે પણ ડેડ લઈ લેતાં..માત્ર ત્રીસ ડૉલર મહિને રોકડા દાદીમાને આપતાં એમાંથી મને ઘણીવાર કેન્ડી, આઈસ્ક્રીમ અને રમકડા અપાવતાં અને મંદીરે જતાં ત્યારે અગિયાર ડોલર આરતીમાં મૂકતાં. દાદીમા બહુંજ આનંદી સ્વભાવના હતાં..મેં ભાગ્યેજ એમને અપસેટ થતાં જોયા છે! મારી ૧૫ વર્ષની ઉંમરે હશે ,દાદીમાને સ્ટ્રોક આવ્યો,એક બાજુંનું અંગ નકામું થઈ ગયું, “એની સારવાર કોણ કરે! હવે શું કરીશું,જોબ કરતાં કરતાં એમની સારવાર કેમ કરી શકાય?” આ દરેક પ્રશ્નો મમ્મી-ડેડીને મુંઝવવા લાગ્યાં,અમેરિકન સરકાર અપંગ થયેલા ઘરડાને રાખવા એક નર્સ આપેછે અથવા ચારસો ડોલર મહિને કેર(સંભાળ) કરવાં આપે એ માહિતી મળતા, મમ્મી -ડેડી ખુશ થયા, હાશ! આપણી મુંઝવણ મટી..”આપણે પેલા ચંપામાસી છે ને એમને બાની કેર કરવા રાખી લઈ એ અને મહિને ૨૫૦ ડોલર આપીશું તો ચાલશે..બાકીના..ભવિષ્યમાં બાને કંઈ થાય તે સમયે કામ આવે!” દાદીમાની તબિયત બગડતી ગઈ..ધીરે ધીરે એમની યાદ શક્તિ પણ જતી રહી. ઘણીવાર મને પૂછે? ભાઈ તારું નામ શું?મમ્મી-ડેડીની ચિંતા વધી ગઈ.”હવે તો એમને નર્સિંગ-હોમમાં જ મૂકવા પડશે! બા ને બાથરૂમનું પણ ભાન નથી રહેતું, કશું યાદ નથી રહેતું, આપણે તો મુશ્કેલીનો પાર નહીં? આવી ઉપાધી કરતાં નર્સિંગ-હોમમાં સારા! ત્યાં ચોવીસ કલાક નર્સ હોય અને સરકાર એમનો પુરેપુરો ખર્ચ પણ આપે છે, આપણે કશી ચિંતા નહી કરવાની!” મમ્મી-ડેડીએ દાદીમાને નર્સિંગ-હોમમાં મૂકી દીધા!
હું અવાર-નવાર દાદીમાને મળવા જતો, એમની પાસે બેસતો.મને ઓળખી નહોતા શકતાં પણ વારં વારે હસતાં..ખુશ મિજાજમાં રહેતાં..”મને કદી પણ હવે ઓળખી નહી શકે?” હું કહેતો “દાદીમાં હું મનીષ છું, મને ઓળખ્યો?” એ માત્ર હસતાં..મમ્મી-ડેડીતો મહિનામાં એકાદ વખત મુલાકાત લેતાં..યાદ છે, એ સાંજે દાદીમાને મળી એમના રૂમમાંથી બહાર નીકળતો હતો..”મનીષ-બેટા, આવજે.” “દાદીમા! કહી પાછો ફર્યો, શું દાદીમાની યાદદાસ્ત પાછી આવી? મારા કાન સુધી આવેલા દાદીમાના શબ્દો..”મનીષ-બેટા, આવજે.” મને સાંભળવા મળ્યાં.શું કોઈ ચમત્કાર થયો? મારા પ્રત્યેનો એમનો નિષ્કામ પ્રેમ?.. એતો ફરી પાછા ઘસઘસાટ સુઈ ગયા…હું ઘેર પાછો ફયો..એજ રાત્રે ૧૧ વાગે નર્સિંગ-હોમમાંથી ફોન આવ્યો..”Your mother is no more”(તમારા માતૃશ્રીનું દેહાંત થયું).. આજ પણ મારા હ્રદયમાં એ છેલ્લા વ્હાલભર્યા દાદીમાના શબ્દો..”મનીષ-બેટા, આવજે.” ગુંજ્યા કરે છે..ચમત્કારી વાતો સાંભળી છે ..યાદદાસ્ત ગુમાવી બેઠેલા દાદીમા..છેલ્લી ઘડીએ મારું નામ કેમ યાદ આવી ગયું હશે! Is it miracle? (શું એ ચમત્કાર હશે?)
રજા પડી, મજા પડી,
આજ મારી સ્કુલમાં રજા પડી.
મામા ઘેર જઈશું, મજા કરીશું,
દાદીમા સાથે લાડ લડીશું.
જ્હુ માં જઈશું, હાથીભાઈ જોઈશું,
વાંદરાની ગમ્મત,વાઘને જોઈશું.
દરિયા કિનારે છીપલા વીણીશું,
રેતીમાં રમી, કુબા બનાવીશું.
રોજ રોજ અમે મજા માણીશું,
મીઠી મારી મા સાથે મજા માણીશું.

નથી નાથ માની, કહેશો ના અનાથ અમને.
એજ રખેવાળ ,એજ નાથ છે અમારો..
રોજ રોજ માનવ બની આવે સહારે,
દુઃખ-દર્દ દૂર કરી, સુખથી સુવાડે.
મા-બાપ ના યાદ આવે..
એવું સુંદર શમણું આપે.
રમવા બાગ આપે,
જમવા મીઠા-મિસ્ટાન આપે.
કોઈ છે નહી અમારું..!
રખે એવું કદી કહેશો નહીં..
જગત સર્જન-હારને લાગશે ખોટું!!
એજ પિતા, એજ માતા…
એજ સાચો પાલનહાર અમારો…

ઢીંગલી-ઢીગલાના છે લગન,
સૌ આજ છે આનંદમાં મગન.
ઢીંગલાનું નામ પાડ્યું પવન,
ઢીંગલીનું નામ રુડું કિરણ.
ઢીંગલો લાગે રુપાળો રાજા,
ઢીંગલી લાગે રુપની રાણી.
બેઉં ફેરા ફરી બન્યા વરવહું,
સુખ જીવે આ યુગલ આજ.

કીડીબાઇ, કીડીબાઇ, ક્યાં ચાલ્યાં?
કણ, કણની અમો શોધમાં ચાલ્યાં.
કણ કણ લઇને શું કરશો?
એનું અમો દરણું દળીશું,
સાથ મળી અમો સૌ ખાઇશું..
કહેશો કીડીબાઇ. દરમાં કોણ કોણ?
સંપી સૌ સો સો રહેતી કીડી,
એમાં મોટી એક મોટી રાણી,
સૌ કોઇ સાંભળે એની વાણી,
એ હુકમ કરે.. તો દોડા દોડી,
સૌ સૈનિક બની રક્ષા કરતાં,
આ અમારી નાની વારતા..

અમે બાળનાના,
ફૂલ-પાનથી પણ નાના!
સ્વિકારજો શુભેચ્છા અમારી.
ના કોઇ યુધ્ધ, ના કોઇ તુફાન,
શાંતી રહે જગમાં..ના રહે કોઇ હિંસા,
જગતમા વિહારિયે વિના કોઇ ચિંતા!
અમો તો બાળનાના!
ઉડવું છે ઉંડા આકાશમાં,
જવું છે દુર દુર આકાશ ગંગામાં,
ગ્રહો સાથે દોસ્તી કરી,
રચવું એક એનોખું બ્રહ્માંડ અમારે!
બસ સૌ શાતીથી સાથે રહીએ!
રચવી છે અનોખી દુનિયા અમારે!

ચકો ચકી ચણવા આવે,
કાગડો, કો..કો…કરતો આવે,
મોર મજાનો હસતો આવે.
આવું મારું આંગણ..
સૂરજ મારે આંગણ જાગે,
ફૂલ બેરંગી રોજ ઊગે,
પતંગીયાતો અહી-તહી ભાગે,
આવું મારું આંગણ..
કોયલ મજાના ગીતો ગાય,
દાદી મારી રોજ હરખાય,
મમ્મી મારી ખુશ દેખાય,
આવું મારું આંગણ..

મોર ટહુકે મારે આંગણે,
કળા કરતો મારે આંગણે,
મોર મલકે મારે આંગણે,
મોર જોઇ મન મારું મલકે,
મોર આજ મારે આંગણે..કેવી કળા કરતો હરખાય..

આંખ નથી એથી હું આંધળી નથી,
આંધળી કહેશો નહી મને,
મારા કાન આંખ બની બધુંયે જુવે છે.
ઇશ્વરે આંખને બનાવ્યા છે કાન,
વ્હાલે આપી છે ઘણી મને શાન..આંધળી કહેશો નહી મને
દિવસ-રાત ને સ્પર્શિ શકું,
ચંદ્રના તેજ ને ભાળી શકું…આંધળી કહેશો નહી મને
‘મા’ ના ખોળામાં બેસી,
આખી દુનિયા નિહાળી શકું…આંધળી કહેશો નહી મને
લખીને સારી સૃષ્ટીને સંદેશો આપી શકું,
હજાર છે આંખો નિહાળવા મને..આંધળી કહેશો નહી મને

અમો બાળનાના..
નવા-વરસની એજ પ્રાર્થના..
કૃપા રહે મા, સરસ્વતીની અમારા પર..
ભાવિ અમારું ઉજ્જવળ બને,
સિર પર મા-બાપના હાથ રહે,
ભાઇ-ભાડુંમાં પ્રેમ રહે,
સૌની સાથે સંપ રહે.
સૌમાં મંગળ ભાવ રહે.

શિશ નમાવી,એક પ્રાર્થના અમારી,
રાખજે સદા ક્ષત્રછાયા મા-બાપની.
અમો તો ફૂલ નાના,
છોડની રક્ષા કરજે સદા..
એજ અમારા ભગવાન,
એજ અમારા પાલનહાર,
એને સુરક્ષિત રાખજે સદા.
કોટી કોટી વંદન,
મા-બાપ મારા, આજ દિવાળી,
કાલ દિવાળી, સદા દિવાળી..
જ્યાં સદા હોય આશિર્વાદ આપના..

મા,મા, દિવાળી આવી,
રંગ ભરેલી રંગોળી આવી,
મીઠી, મધુરી મીઠાઈ લાવી,
દીપ-માળા પ્રગટાવતી આવી..મા,મા દિવાળી આવી
શુભ-લાભના સાથિયા પાડવા,
કંકુ પગલા પાડતી આવી.મા,મા દિવાળી આવી
મંગળ-આરતી કરી ધન-તેરસે,
કંસાર-ખાતી લક્ષ્મી-આવી.મા,મા દિવાળી આવી
મને ભાવે મા, ઘારી-ઘુઘરા,
એ આવીતો સૌ મીઠાઈ સાથ લાવી.મા,મા દિવાળી આવી
દિવાળી સાથ નૂતન-વરસ લાવી,
મા, તારા આશિર્વાદ લેવા હું આવી.મા,મા દિવાળી આવી

રાસ લેતી બાળા
રાસ લેતી બાળા”]
******************************************************************
મા! મારે લેવા છે ગરબા,
મા મારે રમવા છે રાસ.
ચણિયો ને ચૂંદડી રોજ,રોજ પે’રી,
સહેલીઓને સાથ મારે લેવા છે રાસ.
ઝાંઝર જમકાવતા,ચુડીઓ ખનકાવતા,
અંબા માની સાથ મારે લેવા છે રાસ.
માથે મટુકીમાં દિવડો પ્રગટાવતા,
ગરબીની આસ-પાસ મારે લેવા છે રાસ.
નવરાત્રીની આ રાત રૂડી રળિયામણી,
નવા,નવા વસ્ત્રો સજી,મારે લેવા છે રાસ.
-વિશ્વદીપ બારડ
કેમ ભુલુ,આપની આંગળી પક્ડી,
પહેલી પા પા પગલી ભરી હતી..
ધોડો, ઘોડો ખેલતા ખેલતા,
પહેલી સવારી આપની પર કરી હતી.
રમવા રમકડા નિત દીન,
ખુશીથી ખરીદી કરી હતી.
શું, શું નથી કર્યું,મને ખુશ કરવા,
જાત આપની નિચોવી હતી.
વંદુ આજ, આશિષ આપજો આજ,
જન્મદાતા આપની સાચી મહેરબાની હતી.

ચંદ્રનું તેજ મારી મા માં,
સૂર્યનો પ્રકાશ માર પિતામાં.
ફૂલોની ખુશ્બું ભરી છે મારી મા માં,
વૃક્ષની છાયા છે મારા પિતા માં.
નદીના નિર્મળ જળ જેવી મારી મા,
સાગરની વિશાળાતા છે મારા પિતામાં.
બસ સઘળું સમાયું મા-બાપમાં,
જીવન સમર્પણ કરું મા-બાપમાં.

મા, બસ એક હારલડું ગા,
મને મન ગમતું એવું ગીત ગા.
ઉંઘ મનેઆવે જો પાસ તું આવે,
આવે સુંદર નિંદર એવું ગીત ગા.મા, બસ..
રમવા રમકડા,દોડી દોડી થાક્યો,
ચાંદો આવે પાસ એવું ગીત ગા..મા, બસ..
પરીઓના દેશમાં ઉંડી,ઉંડી જાવ,
મીઠા લાગે સપના,એવું ગીત ગા..મા, બસ
-વિશ્વદીપ બારડ

મા મને તારી પાસ રહેવું ગમે..
મા મને તારા ખોળામાં આળોટવું ગમે..
મા મને બસ તારી બાહુંમાં રહેવું ગમે..
મા મને રોજ રાતે વારતા સાંભળવી ગમે…
મા મને રોજ રોજ હાલરડું સાંભળવું ગમે..
મા મને રોજ રોજ સ્વપ્નામાં આવે એવું ગમે..
મા મને બીજું કશું નહી, તારો અવિચળ પ્રેમ ગમે..

મા, મને ગમે બાળ-ફૂલવાડી,
મન ગમતા રંગીન ફૂલોની વાડી. મા મને…
એ વાડીમાં નાની નાની ગાડી,
બેસીને લે’ર કરું મારી માડી.મા મને…
રંગ-બેરંગી ફૂલોમાં ઉડતા પતંગીયા,
દોટ મૂકી પકડતતો પતંગીયા. મા મને..
સૌ ભેળુ સાથ બેસી મજા અમે માણતા,
ભલી-ભોળી વાત અમે માણતા. મા મને..

એક સંયુક્ત કુટુંબમાં ત્રણ ત્રણ દીકરા વહુ સાથે અને મા-બાપ પણ્ સાથે રહેતા હતા. ઘરનું ગુજરાન માંડ, માંડ ચાલે,વેપાર પણ બરોબર ચાલતો નહોતો કોઈ રીતે ઘરના ચાર છેડા ભેગા ન થાય , દરિદ્ર-નારાયણ ઘરમાં બરોબરનો અડ્ડો જમાવી બેઠા હતા. આનો કોઈ ઉપાઈ ખરો! સૌ મુઝવણમાં હતાં ! સસરા ઘરનો વહિવટ ચલાવે પણ જ્યાં લક્ષ્મી દેવીજ રિસાયેલી હોય ત્યાં નગદ-નારાયણ પણ દૂર ભાગે! સસરાએ એક ઉપાઈ સુઝ્યો કે ચાલ દરેક દિકરાને વેપાર અને ઘરનો વહિવટ ચલાવાની તક આપું અને કઈ વેપારમાં ફેર પડે અને દરિદ્રત્તા ઓછી થાય! મોટા દિકરાથી શરૂયાત કરી પણ કોઈ વેપારમાં તફાવત ના પડ્યો કે ગરીબાઈમાં! પછી બાકીના બે દીકરા પણ કશું કરી ના શક્યા. સાસરા ને વિચાર આવ્યો કે આ કામ નાનીવહું ને આપું તો! નાનીવહુને પૂછ્યું કે બેટી થોડા સમય માટે તું વેપાર અને ઘરનો વહિવટ સંભાળ . નાનીવહુ એ કહ્યું કે હું સંભળાવા તૈયાર છું પણ હું જે કહુ તે સૌ એ માનવાનું . જો એ મંજૂર હોય તો મને વાંધો નથી. બીજી શરત એ કે તમે બહાર જાવ અને રસ્તામાં કોઈ પણ વિચિત્ર વસ્તું પડી હોય તે ઉઠાવી લાવી મને આપવાની કોઈ જાતની એમાં દલીલ નહી! શરત વિચિત્ર લાગી પણ સૌ એ વાત મંજૂર રાખી.
સસરા એક વખત બહાર ફરીને ઘર પાછાઆવ્યા અને આવીને નાની વહુને કહ્યું કે આજે મેં રસ્તામાં એક મરેલો સાપ જોયો ! નાની વહુ એ કહ્યુ કે જાવ એ મરેલા સાપને ઘેર લાવી આપણા ઘરના છાપરા પર ફેંકી દો! સસરાને વાતની નવાઈ લાગી પણ વહુની શરત મુજબ કોઈ દલીલ કર્યા વગર સાપને ઘેર લાવી ઘરના છાપરા પર ફેકી દીધો.
એજ ગામમાં જે રાજા રહેતા હતા તેની મહારાણી નદીએ ન્હાવા ગઈ અને પોતાનો નવલખો હાર બાજુમાં મૂકી ન્હાતી હતી તે દરમ્યાન્ આકાશમાં ઉડતી સમળી હાર ચાચમાં લઈ ઉડી ગઈ. મહારાણી ન્હાઈ પાછી ફરી તો હાર નહી , રાણી રડવા લાગી ઘેર આવી રાજાને ફરિયાદ કરી કે મારો કિંમતી અને મન-ગમતો હાર ગૂમ થઈ ગયો છે! રાજા કહે કે હું તને બીજો મંગાવી આપું. રાણી એ જીદ કરી કે એ મારો પ્રિય હાર હતો અને એ જ મારે જોઈએ! સ્ત્રી હઠ ! રાજાએ નમતું મુક્યું અને ગામમાં એલાન કર્યું કે જે ખોવાયેલો હાર લાવી આપશે તેને મન-ગમતું ઈનામ આપવામાં આવશે!
આ બાજુ સસરાને એક દિવસ અચરબ થઈ કે લાવ જોવું તો ખરો કે એ મરેલા સાપનું શું થયું! તે છાપરા પર જુવે તો ત્યાં સાપની જગ્યાં એ સોનાનો નવલખો હાર પડેલો હતો!
તો એ ઘટના એવી હતી કે જે સમળી રાણીનો હાર લઈ ઉડતી હતી તે સમળી છાપરા પર મરેલો સાપ જોઈ તે ઉઠાવવા ગઈ અને તેના ચાચમાંથી સોનાનો નવલખો હાર છાપરા પર રહી ગયો. સસરાતો ખૂશ થઈ નાની વહુને નીચે આવી ખૂશીના સમાચાર આપ્યા કે નાનીવહુ આપણે તો હવે આ હાર વેચી માલમ-માલ થઈ જશું ! તારી યુક્તિ કામમાં આવી! નાનીવહુ એ કીધુ કે ના , આ હાર રાણી ને છે અને તમે રાજાને પાછો આપી આવો. સાસરા એ કહ્યુ કે રાજા આપણને મન-માગ્યું ઈનામ આપશે!આપણે એ પૈસાથી સારો એવો વેપાર કરી માલદાર થઈ જશું! નાનીવહુ એ કયું કે ના એ પણ નહી તમે આ હાર રાજા ને આપી એટલું જ કહેવાનું કે મારે કશું જોઈતું નથી પણ આ જે દિવાળી આવે છે તે દિવાળી રાતે આખા ગામમાં કોઈના ઘેર દિવા ન જોઈ એ! માત્ર તમારા મહેલમાં અને મારા ઘરમાંજ દિવા જોઈ એ! સસરા નારાજ થઈ ગયા! પણ નાનીવહુની શરત મુજબ રાજાની પાસે હાર આપવા ગયા અને નાનીવહુની શરત મુકી . રાજાએ કહ્યું કે એ મને મંજૂર છે કે આ આવતી દિવાળીએ તમારા ઘેર અને મારા મહેલમાંજ દિવા હશે!
દિવાળી આવી ! એજ રાતે આખા ગામામાં અંધારું! માત્ર રાજાના મહેલમાં રોશની અને દિવાનો જગ-મગાટ ! અને બીજી બાજુ સસરાજીના ઘરમાં નાનકડો દિવો અને દિવાળી પૂંજન! તે રાત્રે લક્ષ્મીદેવી ગામમાં ફરવા નીકળ્યાં . ગામમાં કોઈ જગ્યાં એ રોશની કે દિવા નહી તેથી લક્ષ્મીદેવી રાજાના મહેલામાં આવ્યા! ત્યાં એટલી બધી રોશની અને જગમગાટ હતો કે થોડીવારમાં લક્ષ્મીદેવીને ગભરામણ થવા લાગી! તને થયું કે થોડીવાર બહાર જવું! બહાર નીકળ્યા તો આખા ગામમાં અંધારુ ! દૂર દૂર એક નાના ઘરમાં દિવો જોયો ! લક્ષ્મીદેવી ત્યાં ગયાં, દરવાજો ખખડવ્યો ! અને કીધું કે મારે અંદર આવવું છે ! નાનીવહુ અંદર ધરમાંથી બોલી કે તમે લક્ષ્મીદેવી છો એની ખાત્રી શું ? લક્ષ્મીદેવી બોલી કે મને બહાર અંધારામાં અકળામણા થાય છે મને અંદર આવવાદે!નાનીવહુ બોલી કે એક શરતે આપને અંદર આવવા દઉં , એક વખત અંદર આવ્યા પછી બહાર નહી જવાનું! બોલો શરત મજૂંર છે? લક્ષ્મીદેવી જલ્દી જલ્દી બોલ્યા હા મંજૂરે છે ! નાનીવહુ એ દરવાજો ખોલ્યો , લક્ષ્મીદેવી ઘરમાં પધાર્યા. ઘરમાં ચારે બાજુ લક્ષ્મીનો ચળકાટ ! ઘરમાં ચારે બાજુ લક્ષ્મી , લક્ષ્મી !
આ બાજુ એજ ઘરમાં રહેતા દરિદ્ર નારાયણ મુંઝાવા લાગ્યાં, ઘરમાં લક્ષ્મીનું તેજ જોઈ એ છટકવાની યુકતીકરી, પોતાનું પોટલું ભેગું કરી, ભાગવાની તૈયારી કરવા લાગ્યાં! જ્યાં લક્ષ્મી હોય ત્યાં દરિદ્ નારાયણ રહી શકે ખરા! નાનીવહુ એ દરિદ્ગ્ર-નારાયણનો હાથ પકડી બોલી તમે ક્યાં ચાલ્યાં? તમે તો વર્ષૉથી આ ઘરમાં રહો છો ! દરિદ્ર-નારાયણ બોલ્યા ના મારો જીવ અહી રુધાય છે મને જવાદે ! નાનીવહુ બોલી એક શરતે તમને જવાદઉં! તમે અહીથી જાવ પછી કદી આ ઘરમાં આવવાનું નામ નહી લેતાં! હા , હા મંજૂર છે એમ કહી દરિદ્ર-નારાયણ દોટ મૂકી ભાગ્યાં ! બસ ત્યારથી એ ઘરમાં નાનીવહુના પ્રતાપે લક્ષ્મીનો સદાનો વાસ અને સાથો સાથ આનંદ-મંગલની આરતી થતી રહી!