નથી નાથ માની, કહેશો ના અનાથ અમને.
એજ રખેવાળ ,એજ નાથ છે અમારો..
રોજ રોજ માનવ બની આવે સહારે,
દુઃખ-દર્દ દૂર કરી, સુખથી સુવાડે.
મા-બાપ ના યાદ આવે..
એવું સુંદર શમણું આપે.
રમવા બાગ આપે,
જમવા મીઠા-મિસ્ટાન આપે.
કોઈ છે નહી અમારું..!
રખે એવું કદી કહેશો નહીં..
જગત સર્જન-હારને લાગશે ખોટું!!
એજ પિતા, એજ માતા…
એજ સાચો પાલનહાર અમારો…
ઢીંગલી-ઢીગલાના છે લગન,
સૌ આજ છે આનંદમાં મગન.
ઢીંગલાનું નામ પાડ્યું પવન,
ઢીંગલીનું નામ રુડું કિરણ.
ઢીંગલો લાગે રુપાળો રાજા,
ઢીંગલી લાગે રુપની રાણી.
બેઉં ફેરા ફરી બન્યા વરવહું,
સુખ જીવે આ યુગલ આજ.
એક હતો બગલો
નામ એનું ભગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
કાળો કાળો ડગલો,
ડગલો પહેરે બગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો બન્યો વકીલ,
કીડી બોલી: હું અસીલ!
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
હાથી સામે કરો કેસ,
ખેંચ્યા એણે મારા કેશ
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો કહે :રડ નહીં,
હાથીડાથી ડર નહીં,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બંદા વકીલ હીરો છે,
હાથીડો તો ઝીરો છે,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
પોલીસને બોલાવું છું
જેલમાં પુરાવું છું
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બોલો વાત એવી થી,
પછી જોવા જેવી થઈ,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
વાત સુણી ગુસ્સે થયો,
હાથી બગલા કને ગયો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
સૂંઢથી ઊંચે પહોચાડયો,
ધડમ દઈને પછાડ્યો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો બોલ્યો : બાપરે!
ખાધી મેં તૂ થાપ રે!
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
કીડી, કીડી મારું માન,
કરી લે તું સમાધાન,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
એકડા પછી બગડો,
હાથીડો છે તગડો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બળીયા સામે પડીએ નહીં,
ખાલી ખોટા લડીએ નહીં,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
હાથી ભૈ નાં જોઈ રુપ,
કીડી ભાગી ગુપચુપ,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
પૂંઠે ભાગ્યો બગલો
ફેંકી દઈ ને ડગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
-રમેશ ત્રિવેદી