Fri 18 Sep 2009
એકડો સાવ સળેખડો
Filed under: બાળગીત — વિશ્વદીપ બારડ @ 3:36 pm

one_love_com02-2
એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.

તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.

પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.

આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
by રમેશ પારેખ

Comments (0)
Fri 18 Sep 2009
માના ગુણ
Filed under: બાળગીત — વિશ્વદીપ બારડ @ 3:26 pm

beach
હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?>
મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.

-દલપતરામ

Comments (0)
Sat 25 Jul 2009
અમારા છે.
Filed under: બાળગીત, સ્વરચિત રચના — વિશ્વદીપ બારડ @ 11:14 pm

વિશ્વ મારું છે, માનવી સૌ મારા છે,
દેશ-દેશના સૌ ભાઇ-ભાડું મારા છે.

એક સાથ રહી શાંતીથી રહીશું,
ભાત,ભાતના ચહેરા સૌ મારા છે.

સૂર્ય ડુબતા, અંધારા આવ્યા કરે,
આશાના કિરણો સૌ અમારા છે.

અમારું નાનું એક સ્વર્ગ બને અહીં,
ઉત્સાહ ને ઉમંગ અમારા છે.

સકળ બ્રહ્માંડમાં પૃથ્વી એક માતા,
શાંતીને વરનારા સૌ અમારા છે.

Comments (1)
Sat 25 Jul 2009
કોઇ ભણવાને આવજો!!
Filed under: બાળગીત — વિશ્વદીપ બારડ @ 11:07 pm

મેં તો ખોલી છે, સત્સંગ શાળા રે,
કોઇ ભણવાને આવજો.
સમજુ ચતુરને શાણા રે,
કોઇ ભણવાને આવજો.

એકડો ધુંટો તમે રામ નામનો,
બગડો બળભદ્ર બાળા રે,
કોઇ ભણવાને આવજો.
તગડો ઘુંટો તમે ત્રીભુવન રાયનો,
ચોગડો શંકર ભોળો રે
કોઇ ભણવાને આવજો.
પાચડો શંકર ભોળો રે,
છઠ્ઠે ચતુર્ભુજ શાણા રે,
કોઇ ભણવાને આવજો.
સાતડો ઘુંટો તમે સદગુરૂ દેવનો,
આઠડો કૃષ્ણજી કાળા રે,
કોઇ ભણવાને આવજો.

નવડો ઘુંટો તમે સતસંગ ભગવાનનો રે
દશમે દિગપાળા રે,
કોઇ ભણવાને આવજો.

કવિ-અજ્ઞાત

Comments (0)
Thu 11 Jun 2009
રજા પડી..
Filed under: બાળગીત, સ્વરચિત રચના — વિશ્વદીપ બારડ @ 5:41 pm

રજા પડી, મજા પડી,
આજ મારી સ્કુલમાં રજા પડી.

મામા ઘેર જઈશું, મજા કરીશું,
દાદીમા સાથે લાડ લડીશું.

જ્હુ માં જઈશું, હાથીભાઈ જોઈશું,
વાંદરાની ગમ્મત,વાઘને જોઈશું.

દરિયા કિનારે છીપલા વીણીશું,
રેતીમાં રમી, કુબા બનાવીશું.

રોજ રોજ અમે મજા માણીશું,
મીઠી મારી મા સાથે મજા માણીશું.

Comments (0)
Tue 12 May 2009
કીડી, બગલો અને હાથી..
Filed under: બાળગીત — વિશ્વદીપ બારડ @ 12:24 am

એક હતો બગલો
નામ એનું ભગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

કાળો કાળો ડગલો,
ડગલો પહેરે બગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

બગલો બન્યો વકીલ,
કીડી બોલી: હું અસીલ!
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

હાથી સામે કરો કેસ,
ખેંચ્યા એણે મારા કેશ
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

બગલો કહે :રડ નહીં,
હાથીડાથી ડર નહીં,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

બંદા વકીલ હીરો છે,
હાથીડો તો ઝીરો છે,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

પોલીસને બોલાવું છું
જેલમાં પુરાવું છું
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

બોલો વાત એવી થી,
પછી જોવા જેવી થઈ,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

વાત સુણી ગુસ્સે થયો,
હાથી બગલા કને ગયો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

સૂંઢથી ઊંચે પહોચાડયો,
ધડમ દઈને પછાડ્યો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

બગલો બોલ્યો : બાપરે!
ખાધી મેં તૂ થાપ રે!
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

કીડી, કીડી મારું માન,
કરી લે તું સમાધાન,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

એકડા પછી બગડો,
હાથીડો છે તગડો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

બળીયા સામે પડીએ નહીં,
ખાલી ખોટા લડીએ નહીં,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

હાથી ભૈ નાં જોઈ રુપ,
કીડી ભાગી ગુપચુપ,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

પૂંઠે ભાગ્યો બગલો
ફેંકી દઈ ને ડગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!

-રમેશ ત્રિવેદી

Comments (2)
Sun 29 Mar 2009
દરિયા દેવ..
Filed under: બાળગીત — વિશ્વદીપ બારડ @ 12:03 am

birds1

પપ્પા અમને આજ લઈ જાઓ,જોવા દરિયે હોડી

સાગર તટે રેતી પટે, આજ કરવી છે ઉજાણી

ભોળી જાનુ ભોળી આંખે ભાળે દૂરદૂર પાણી

કિનારે ઊભા છબછબ કરતાં,કૂદાકૂદી કરે મજાની

માછલી ઘરની મજા માણીએ , આવો મારી સાથે

નાની મોટી માછલીઓ દીઠી રમતો કરતી સંગે

સલોની કહે માછલીઓ તો એવી ભાગે,જાણે ચઢી છે જંગે

હે ભગવાન! પાણીમાં બેસી તું સૌને કેવી રીતે રંગે

રાતી પીળી લાલભૂરી ,માછલીઓના મનગમતા છે રંગ

ખુશી કહે ખુશી ખુશી જોયા કરીએ એવા તેમના ઢંગ

રમતાં રમતાં રેતીમાંથી આદીને મળિયો મોટો શંખ

શંખ વગાડી આદીના ગાલના રાતા થઈ ગયા રંગ

સંધ્યાકાળે હોડીમાં અમે દરિયે ઘૂમવા નીક્ળ્યાં

અફાટ સાગરે પવન સપાટે, મો જાં સાથે ડોલ્યા

શંખ છીપલાં કોડાકોડીની ભરી રોહને મોટી ઝોળી

હસતાં રમતાં મજા માણી, ઘેર આવી અમારી ટોળી

રમેશ પટેલ(આકાશદીપ)

Comments (1)
Sat 11 Oct 2008
અન્યોક્તિ-દલપતરામ
Filed under: Uncategorized, બાળગીત — વિશ્વદીપ બારડ @ 9:44 pm


********************************************************

ઊંટ કહેઃ આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાંનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.”

Comments (2)
Thu 18 Sep 2008
ગાય
Filed under: બાળગીત — વિશ્વદીપ બારડ @ 3:25 pm


કાળી ધોળી રાતી ગાય
પીએ પાણી ચરવા જાય
ચાર પગ ને આંચળ ચાર
વાંછરડા પર હેત અપાર
પાછળ પુંછડા પર છે વાળ
તેથી કરે શરીર સંભાળ
કાન શિંગ,બે મોટી આંખ
પૂંછડાથી ઊડાડે માખ
નરમ રુવાંટી લિસ્સું અંગ
ગેલ કરે વાંછરડા સંગ
દુધ તેનું ધોળું દેખાય
સાકર નાખી હોંશે ખાય
દહીં માખણ ઘી તેના થાય
તેથી બહુ ઉપયોઅગી થાય.
-ધીરજ

Comments (1)
Tue 1 Jul 2008
બાળગીત-ખુશી
Filed under: બાળગીત — વિશ્વદીપ બારડ @ 12:21 pm

નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું
બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું
બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું
બા કહે ફ્રોક પહેરી ,તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું, હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું
બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું
વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું

રમેશ પટેલ(આકાશદીપ) ઉપાસના કાવ્ય સંગ્રહમાંથી

Comments (3)
65 queries. 1.239 seconds. Powered by Gujarati Sahitya Sarita
Powered By Indic IME