મારો ઉછેર મારા દાદીમાના લાડકોડમાં થયો છે. બેબી ફૂડ અને ડાઈપરથી માંડી પાપા પગલી..અને સ્કુલના પહેલા ધોરણ સુધીની જવાબદારી દાદીમાએ ઉપાડેલી. મારી મમ્મી અને ડેડી બન્ને જોબ કરે, સવારે છ વાગે નીકળી સાંજે વાગે આવે. કોઈ વાર ટ્રાફીકમાં જામ થઈ જાય તો સાંજે સાત વાગે પણ આવે, દાદીમા મારી સંભાળ સાથે બધા માટે રસોઈ પણ કરી રાખે,ઘરની સફાઈ પણ તેજ કરે. હું કદી બેબી-સીટીંગમાં ગયો નથી.
દાદીમાનો હું એટલો હેવાયો હતો કે રાત્રે એ સુંવાડે તો જ મને ઉંઘ આવે! કડકડતી ઠંડી, અને સ્નો પડતો હોય પણ હું જીદ કરું એટલે બિચારા દાદીમા જાડું જેકેટ પહેરાવી મને ફ્ર્ન્ટ-યાર્ડમાં લઈ જાય મને સ્નો-મેન બનાવવામાં હેલ્પ કરે!’બેટા, મને હવે ઠંડી લાગે છે,ચાલને ઘરમં હું તને લૉલીપપ આપીશ” એ લાલચે મને ઘરમાં લાવતાં ..યાદ છે…હું એમના રૂમમાંજ સુતો…નાની, નાની વાર્તા કહી મને સુંવડાવતાં, માથે વ્હાલભર્યો હાથ અને ગાલે ચુંબન!
દાદીમા અહીંના અમેરીકન સિટિઝન હતા,મારી સાથે ઘણીવાર ભાગ્યું-ટુટ્યું ઈગ્લીશ પણ બોલતાં,”નૉટી બૉય”.. મને યાદ છે કે એમને સોસીયલ-સિક્યોરીટીમાંથી છસ્સો ડૉલર આવતાં તે પણ ડેડ લઈ લેતાં..માત્ર ત્રીસ ડૉલર મહિને રોકડા દાદીમાને આપતાં એમાંથી મને ઘણીવાર કેન્ડી, આઈસ્ક્રીમ અને રમકડા અપાવતાં અને મંદીરે જતાં ત્યારે અગિયાર ડોલર આરતીમાં મૂકતાં. દાદીમા બહુંજ આનંદી સ્વભાવના હતાં..મેં ભાગ્યેજ એમને અપસેટ થતાં જોયા છે! મારી ૧૫ વર્ષની ઉંમરે હશે ,દાદીમાને સ્ટ્રોક આવ્યો,એક બાજુંનું અંગ નકામું થઈ ગયું, “એની સારવાર કોણ કરે! હવે શું કરીશું,જોબ કરતાં કરતાં એમની સારવાર કેમ કરી શકાય?” આ દરેક પ્રશ્નો મમ્મી-ડેડીને મુંઝવવા લાગ્યાં,અમેરિકન સરકાર અપંગ થયેલા ઘરડાને રાખવા એક નર્સ આપેછે અથવા ચારસો ડોલર મહિને કેર(સંભાળ) કરવાં આપે એ માહિતી મળતા, મમ્મી -ડેડી ખુશ થયા, હાશ! આપણી મુંઝવણ મટી..”આપણે પેલા ચંપામાસી છે ને એમને બાની કેર કરવા રાખી લઈ એ અને મહિને ૨૫૦ ડોલર આપીશું તો ચાલશે..બાકીના..ભવિષ્યમાં બાને કંઈ થાય તે સમયે કામ આવે!” દાદીમાની તબિયત બગડતી ગઈ..ધીરે ધીરે એમની યાદ શક્તિ પણ જતી રહી. ઘણીવાર મને પૂછે? ભાઈ તારું નામ શું?મમ્મી-ડેડીની ચિંતા વધી ગઈ.”હવે તો એમને નર્સિંગ-હોમમાં જ મૂકવા પડશે! બા ને બાથરૂમનું પણ ભાન નથી રહેતું, કશું યાદ નથી રહેતું, આપણે તો મુશ્કેલીનો પાર નહીં? આવી ઉપાધી કરતાં નર્સિંગ-હોમમાં સારા! ત્યાં ચોવીસ કલાક નર્સ હોય અને સરકાર એમનો પુરેપુરો ખર્ચ પણ આપે છે, આપણે કશી ચિંતા નહી કરવાની!” મમ્મી-ડેડીએ દાદીમાને નર્સિંગ-હોમમાં મૂકી દીધા!
હું અવાર-નવાર દાદીમાને મળવા જતો, એમની પાસે બેસતો.મને ઓળખી નહોતા શકતાં પણ વારં વારે હસતાં..ખુશ મિજાજમાં રહેતાં..”મને કદી પણ હવે ઓળખી નહી શકે?” હું કહેતો “દાદીમાં હું મનીષ છું, મને ઓળખ્યો?” એ માત્ર હસતાં..મમ્મી-ડેડીતો મહિનામાં એકાદ વખત મુલાકાત લેતાં..યાદ છે, એ સાંજે દાદીમાને મળી એમના રૂમમાંથી બહાર નીકળતો હતો..”મનીષ-બેટા, આવજે.” “દાદીમા! કહી પાછો ફર્યો, શું દાદીમાની યાદદાસ્ત પાછી આવી? મારા કાન સુધી આવેલા દાદીમાના શબ્દો..”મનીષ-બેટા, આવજે.” મને સાંભળવા મળ્યાં.શું કોઈ ચમત્કાર થયો? મારા પ્રત્યેનો એમનો નિષ્કામ પ્રેમ?.. એતો ફરી પાછા ઘસઘસાટ સુઈ ગયા…હું ઘેર પાછો ફયો..એજ રાત્રે ૧૧ વાગે નર્સિંગ-હોમમાંથી ફોન આવ્યો..”Your mother is no more”(તમારા માતૃશ્રીનું દેહાંત થયું).. આજ પણ મારા હ્રદયમાં એ છેલ્લા વ્હાલભર્યા દાદીમાના શબ્દો..”મનીષ-બેટા, આવજે.” ગુંજ્યા કરે છે..ચમત્કારી વાતો સાંભળી છે ..યાદદાસ્ત ગુમાવી બેઠેલા દાદીમા..છેલ્લી ઘડીએ મારું નામ કેમ યાદ આવી ગયું હશે! Is it miracle? (શું એ ચમત્કાર હશે?)