એક હતો બગલો
નામ એનું ભગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
કાળો કાળો ડગલો,
ડગલો પહેરે બગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો બન્યો વકીલ,
કીડી બોલી: હું અસીલ!
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
હાથી સામે કરો કેસ,
ખેંચ્યા એણે મારા કેશ
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો કહે :રડ નહીં,
હાથીડાથી ડર નહીં,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બંદા વકીલ હીરો છે,
હાથીડો તો ઝીરો છે,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
પોલીસને બોલાવું છું
જેલમાં પુરાવું છું
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બોલો વાત એવી થી,
પછી જોવા જેવી થઈ,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
વાત સુણી ગુસ્સે થયો,
હાથી બગલા કને ગયો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
સૂંઢથી ઊંચે પહોચાડયો,
ધડમ દઈને પછાડ્યો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો બોલ્યો : બાપરે!
ખાધી મેં તૂ થાપ રે!
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
કીડી, કીડી મારું માન,
કરી લે તું સમાધાન,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
એકડા પછી બગડો,
હાથીડો છે તગડો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બળીયા સામે પડીએ નહીં,
ખાલી ખોટા લડીએ નહીં,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
હાથી ભૈ નાં જોઈ રુપ,
કીડી ભાગી ગુપચુપ,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
પૂંઠે ભાગ્યો બગલો
ફેંકી દઈ ને ડગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
-રમેશ ત્રિવેદી
સરળ બાળગીત
Comment by પંચમ શુક્લ — May 16, 2009 @ 9:39 am
સરસ્
Comment by Anonymous — May 28, 2009 @ 8:41 am