માઁ….મને સાંભરે..
દોડતા દોડતા પડી જવાય,
હિચકે હિચકતા દડી જવાય,
રડતા રડતાં માઁના ખોળામાં સુઈ જવાય..માઁ મને સાંભરે
સંતાકુકડી સવાર સાંજ રમતા,
દોડા દોડી માની આસ પાસ કરતા,
તું ખિજાતી-મારવા દોડી મનાવતી..માઁ મને સાંભરે
નવા નવા કપડ પે’રાવતી,
નિશાળે મુકી જતી..શિખામણ આપતી.
સાંજના સમયે લેશન કરાવતી…માઁ મને સાંભરે
યાદ આવે માના મીઠા બોલ,
કરતો રોજ ફરિયાદ તને,
તોય તું તો મીઠી ઢેલ..યાદ આવે માના મીઠા બોલ
સાગર જેઓ ખોળો જેનો,
માખણ જેવી કુણી મા,
કોયલ થઈ એ ટહુંકી ઉઠે .યાદ આવે માના મીઠા બોલ
કોઈ કરે ફરિયાદ મારી,
ના સાંભળે એના બોલ,
ભેટી પડી એ વહાલ કરે…યાદ આવે માના મીઠા બોલ..
હૈયું એનું હળવું ફુલ,
મનનો માળો સુંદર સુંદર,
મંદીરમાં તું એક જ દેવી..યાદ આવે માના મીઠા બોલ
મને મારૂં બચપણ યાદ આવે,
યાદ કરૂ, થોડું રડવું આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
મનભરી થોડું થોડું હસાવે.
મને મારૂં બચપણ યાદ આવે,
મોઈ-દાડ્ડીયા આજ યાદ આવે!
મને મારૂં બચપણ યાદ આવે,
મહેંકતી મારી વાડી યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
વરસાદની વાછટ યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
રીસાઈને છુપાતા યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
પથારી ભીંજાતી યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
મા જાગતી રાત યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
દાદીમાની વાર્તા યાદ આવે.
મને મારૂં બચપણ યાદ આવે,
ભુલાયેલું બચપણ યાદ આવે.
મા…મા… દિવાળી આવી,
નવા નવા કપલા સીવલાવજે..ઓ..મા…દિવાળી આવી..
માલે ખાવા છે ઘાલી ને ઘુઘલા…ઓ..મા…દિવાળી આવી..
માલે દોરવી સે ગમટી રંગોળી. ઓ..મા…દિવાળી આવી
કોદીયામાં તેલ પુરી કલવા છે દિવા..ઓ..મા…દિવાળી આવી
ફટાકલા લાવજે..ફૂલજલી લાવજે..ઓ..મા…દિવાળી આવી..
ગલમ ગલમ ગોટા ખાવા સે મારે..ઓ..મા…દિવાળી આવી
કપાલે કંકુનો ચાંદલો કરજે તું…ઓ..મા…દિવાળી આવી..
વેલો ઉઠી..પેલા પગે લાગીશ તને..ઓ..મા…દિવાળી આવી..
બાળની મસ્તી મને ગમે છે,
નિર્દોષ એની ગમત મને ગમેછે..બાળની મસ્તી…
લડે-ઝગડે ફરી ભેગા મળે,
દાવપેચ વગરની વાત મને ગમે છે..બાળની મસ્તી…
હસીને હસાવે,રડી મા ને રડાવે,
બાળનો નિખાલસ ચહેરો મને ગમે છે..બાળની મસ્તી…
મા ની ગોદમા ખેલતુ સુંદર બાળ,
આવું રમણિય દ્રશ્ય મને ગમે છે…બાળની મસ્તી…
પા પા પગલું ભરી રમતુ બાળ,
પડીને ઊભુ થતું બાળ મને ગમેછે..બાળની મસ્તી…
કાલા ઘેલા બોલ બોલતું સતત,
મા ને સમજાવતુ બાળ મને ગમે છે..બાળની મસ્તી…
બાળ સાથે બાળક બની રમવુ ગમે,
ખુદ હારીને ખુશ થાવુ મને ગમે છે..બાળની મસ્તી…
બની પતંગ ઉડુ આકાશમા,
મા, મારો દોર જાલ તુ.
વાદળ સાથે વાતો કરુ,
દૂર દૂર આકાશમા નિહાળ તુ.
રંગ બેરંગી ઉડતા પંતગો,
સાથ વાતો કરતા જો તુ.
દિવસભર ઉડુ આભમા,
સાંજ પડે, ધીરે ધીરે ઉતાર તુ.
વૃક્ષ ઝુકી ઝુકી વંદન કરતાં નિહાળું,
પવન લહેરાય છે બાગમાં.
ફૂલો મહેંકતા અભિવાદન કરે,
રંગ-બેરંગી પતંગા શોભે બાગમાં.
કોયલ ટહુક, ટહુક કરતી સાંભળું,
નાચે મોર કળાકરી ખુશ બાગમાં.
ઝાકળ-બિંદુ ચમકી રહ્યુ પાનપર,
પક્ષીગણ ગીત ગાતા બાગમાં.
નિર્મળ ઝરણ વહેતું ધીરે ધીરે,
બાળ છબછબીયા કરતાં બાગમાં,
સુરજ નીચે નમી કરે ડોકિયું,
મને મળી ગયું બાળપણ બાગમાં.
મા મને સાગર કિનારે લઈ જા.
મોજાની મસ્તી માણવી છે મારે,
કિનારે બેસી રેતમાં ઘર બનાવું છે મારે..મા મને સાગર કિનારે લઈ જા.
પાણીમાં છબ છબીયા કરવા છે મારે,
લહેરાતા પવનમાં કાઈટ ઉડાવી છે મારે..મા મને સાગર કિનારે લઈ જા.
ચી,ચી કરતાં સિગુલને ખવડાવવું છે મારે,
છીપલા વીણી વીણી ઘર લાવવા છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.
ફેલકનની લાંબી ચાચો નિહાળવી છે મારે,
રંગ-બેરંગી ફીશને પકડવી છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.
છીપલાઓ જાત જાતના ભેગાં કરવા છે મારે,
બૉટમાં બેસીને હલેસા મારવા છે મારે…મા મને સાગર કિનારે લઈ જા.
દિવસ આખો રહીને પિકનિક માણવી છે મારે,
સાંજે કિનારે બેસી સૂર્યને ડુબતો જોવો છે મારે,મા મને સાગર કિનારે લઈ જા.
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.
ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠા વેણ:
”મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ.
હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું!”
રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.
“ઘર આ મારું જમો સુખેથી, મધની લૂમેલૂમ.”
ખાવા જાતા રાણાજીએ પાડી બૂમેબૂમ!
મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર!
આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
”ખાધો બાપ રે!” કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.
-રમણલાલ સોની
Best poem of 2008, written by An African kid:…….ભાવાનુવાદ…ગુજરાતીમાં
When I born, I black………………………….પારણે ઝુલ્યો હું કાળો કાનજી બની,
When I grow up, I black……………………….ઉછર્યો કાળો હું કાનજી રહી,
When I go in d sun, I black……………………સૂર્યની છત તળે રહ્યો કાળો કાનજી,
When I cold, I black………………………….શિશકતી ટાઢમાં રહ્યો હું કાળો માનવી,
…When I scared, I black……………………..ભય વચ્ચે રહ્યો હું કાળો રહી..
When I sick, I black………………………….માંદગીને બિછાને હું હતો કાળો
When I die, I still black……………………..મૃત્યું ટાણે હું હઈશ કાળો! જેવો આજ પણ…
& u white fellow;…………………………….આપ ધોળી ચામડીના માનવી!
When u born, u pink…………………………..પારણે ઝુલતા રહ્યા ગુલાબી,
When u grow up, u white……………………….ઉછેર ટાણે કહેવાયા ધોળી ચામડીના માનવી!
When u out in sun,u red……………………….સુર્યના કિરણે બદલ્યા લાલચોળ માનવી,
When u cold, u blue…………………………..ને ઠંડી આવી..થઈ ગયાં ભુરા..ભુરા!
When u scared, u yellow……………………….ભય વચ્ચે…પીળા પીળા પાંદડા જેવા,
When u sick,u green…………………………..માંદગી બિછાને થઈ ગયાં લીલા છમ!
When u die,u grey…………………………….મૃત્યું ટાણે ઓઢ્યો આકાશી રંગ!
& u call me Coloured………………………….ને..અમને ક્યાં કહો.બેરંગી કાળા રંગના?
એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.
તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.
આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
by રમેશ પારેખ
હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?>
મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
-દલપતરામ
વિશ્વ મારું છે, માનવી સૌ મારા છે,
દેશ-દેશના સૌ ભાઇ-ભાડું મારા છે.
એક સાથ રહી શાંતીથી રહીશું,
ભાત,ભાતના ચહેરા સૌ મારા છે.
સૂર્ય ડુબતા, અંધારા આવ્યા કરે,
આશાના કિરણો સૌ અમારા છે.
અમારું નાનું એક સ્વર્ગ બને અહીં,
ઉત્સાહ ને ઉમંગ અમારા છે.
સકળ બ્રહ્માંડમાં પૃથ્વી એક માતા,
શાંતીને વરનારા સૌ અમારા છે.
મેં તો ખોલી છે, સત્સંગ શાળા રે,
કોઇ ભણવાને આવજો.
સમજુ ચતુરને શાણા રે,
કોઇ ભણવાને આવજો.
એકડો ધુંટો તમે રામ નામનો,
બગડો બળભદ્ર બાળા રે,
કોઇ ભણવાને આવજો.
તગડો ઘુંટો તમે ત્રીભુવન રાયનો,
ચોગડો શંકર ભોળો રે
કોઇ ભણવાને આવજો.
પાચડો શંકર ભોળો રે,
છઠ્ઠે ચતુર્ભુજ શાણા રે,
કોઇ ભણવાને આવજો.
સાતડો ઘુંટો તમે સદગુરૂ દેવનો,
આઠડો કૃષ્ણજી કાળા રે,
કોઇ ભણવાને આવજો.
નવડો ઘુંટો તમે સતસંગ ભગવાનનો રે
દશમે દિગપાળા રે,
કોઇ ભણવાને આવજો.
કવિ-અજ્ઞાત
રજા પડી, મજા પડી,
આજ મારી સ્કુલમાં રજા પડી.
મામા ઘેર જઈશું, મજા કરીશું,
દાદીમા સાથે લાડ લડીશું.
જ્હુ માં જઈશું, હાથીભાઈ જોઈશું,
વાંદરાની ગમ્મત,વાઘને જોઈશું.
દરિયા કિનારે છીપલા વીણીશું,
રેતીમાં રમી, કુબા બનાવીશું.
રોજ રોજ અમે મજા માણીશું,
મીઠી મારી મા સાથે મજા માણીશું.
એક હતો બગલો
નામ એનું ભગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
કાળો કાળો ડગલો,
ડગલો પહેરે બગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો બન્યો વકીલ,
કીડી બોલી: હું અસીલ!
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
હાથી સામે કરો કેસ,
ખેંચ્યા એણે મારા કેશ
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો કહે :રડ નહીં,
હાથીડાથી ડર નહીં,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બંદા વકીલ હીરો છે,
હાથીડો તો ઝીરો છે,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
પોલીસને બોલાવું છું
જેલમાં પુરાવું છું
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બોલો વાત એવી થી,
પછી જોવા જેવી થઈ,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
વાત સુણી ગુસ્સે થયો,
હાથી બગલા કને ગયો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
સૂંઢથી ઊંચે પહોચાડયો,
ધડમ દઈને પછાડ્યો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બગલો બોલ્યો : બાપરે!
ખાધી મેં તૂ થાપ રે!
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
કીડી, કીડી મારું માન,
કરી લે તું સમાધાન,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
એકડા પછી બગડો,
હાથીડો છે તગડો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
બળીયા સામે પડીએ નહીં,
ખાલી ખોટા લડીએ નહીં,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
હાથી ભૈ નાં જોઈ રુપ,
કીડી ભાગી ગુપચુપ,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
પૂંઠે ભાગ્યો બગલો
ફેંકી દઈ ને ડગલો,
તાળી લ્યો, ભૈ, તાળી લ્યો!
-રમેશ ત્રિવેદી
પપ્પા અમને આજ લઈ જાઓ,જોવા દરિયે હોડી
સાગર તટે રેતી પટે, આજ કરવી છે ઉજાણી
ભોળી જાનુ ભોળી આંખે ભાળે દૂરદૂર પાણી
કિનારે ઊભા છબછબ કરતાં,કૂદાકૂદી કરે મજાની
માછલી ઘરની મજા માણીએ , આવો મારી સાથે
નાની મોટી માછલીઓ દીઠી રમતો કરતી સંગે
સલોની કહે માછલીઓ તો એવી ભાગે,જાણે ચઢી છે જંગે
હે ભગવાન! પાણીમાં બેસી તું સૌને કેવી રીતે રંગે
રાતી પીળી લાલભૂરી ,માછલીઓના મનગમતા છે રંગ
ખુશી કહે ખુશી ખુશી જોયા કરીએ એવા તેમના ઢંગ
રમતાં રમતાં રેતીમાંથી આદીને મળિયો મોટો શંખ
શંખ વગાડી આદીના ગાલના રાતા થઈ ગયા રંગ
સંધ્યાકાળે હોડીમાં અમે દરિયે ઘૂમવા નીક્ળ્યાં
અફાટ સાગરે પવન સપાટે, મો જાં સાથે ડોલ્યા
શંખ છીપલાં કોડાકોડીની ભરી રોહને મોટી ઝોળી
હસતાં રમતાં મજા માણી, ઘેર આવી અમારી ટોળી
રમેશ પટેલ(આકાશદીપ)
********************************************************
ઊંટ કહેઃ આ સભામાં,વાંકાં અંગવાળાં ભૂંડા;
ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે.
વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;
ભેંસને તો શિર વાંકાં, શિંગડાંનો ભાર છે.
સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;
“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.”
કાળી ધોળી રાતી ગાય
પીએ પાણી ચરવા જાય
ચાર પગ ને આંચળ ચાર
વાંછરડા પર હેત અપાર
પાછળ પુંછડા પર છે વાળ
તેથી કરે શરીર સંભાળ
કાન શિંગ,બે મોટી આંખ
પૂંછડાથી ઊડાડે માખ
નરમ રુવાંટી લિસ્સું અંગ
ગેલ કરે વાંછરડા સંગ
દુધ તેનું ધોળું દેખાય
સાકર નાખી હોંશે ખાય
દહીં માખણ ઘી તેના થાય
તેથી બહુ ઉપયોઅગી થાય.
-ધીરજ
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું
બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું
બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું
બા કહે ફ્રોક પહેરી ,તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું, હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું
બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું
વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
રમેશ પટેલ(આકાશદીપ) ઉપાસના કાવ્ય સંગ્રહમાંથી