કવરમાં બીડીને સમય મોકલું,
તને ભીનીભીની ગઝલ મોકલું.
પીધોપુષ્પઆસવ અમે જ્યારથી,
સતત હું સુવાસિત અસર મોકલું.
ઘૂંટી રક્તમાં ગાલગા-નું રટણ,
અભૂતપૂર્વ કોઈ ધબક મોકલું.
સળગતાં રહ્યાં ગીષ્મનાં વન મહીં,
તને કેસૂડાંની ફસલ મોકલું.
મને લાવ કૂંપી ગઝલની પછી,
ગઝલવત થઈને અમલ મોકલું.
-મહેશ જોશી