બા મેં તો બાગમાં બાંધી નિશાળ,
ભણવાને આવે છે ચકલીઓ ચાર,
બા મેં તો બાગ માં બાંધી નિશાળ.
નાની ખિસકોલી ભણવામાં પહેલી,
આવે છબીલી એતો સૌથી એ વહેલી,
જરા ના બોલે એ સૌથી શરમાય,
જરા ના બોલે એ સૌથી શરમાય,
બા મેં તો બાગ માં બાંધી નિશાળ.
કલબેલી કાબર ને છેલ્લે હું કાઢું,
કચ કચ કરે તો એને આંખો દેખાડું,
જરા ના મારુ હું ખોટો એ માર,
જરા ના મારુ હું ખોટો એ માર,
બા મેં તો બાગ માં બાંધી નિશાળ
poet: unknown
એકડો સાવ સળેખડો ને બગડો ડીલે તગડો,
બંન્ને બથ્થંબથ્થા કરતા મોટો ઝઘડો.
તગડો તાળી પાડે ને નાચે તા તા થૈ,
ચોગડાની ઢીલી ચડ્ડી સરરર ઊતરી ગઈ.
પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો એની લઈ ગયો લંગોટી.
આઠડાને ધક્કો મારી નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલ ની બસ.
by રમેશ પારેખ
રવિ પછી તો સોમ છે,
ત્રીજો મંગળવાર,
ચોથો બુધ, ગુરુ પાંચમો,
છઠ્ઠો શુક્રવાર,
શનિવાર તે સાતમો,
છેલ્લો વાર ગણાય,
એમ મળી અઠવાડિયું,
સાત દિવસનું થાય.
poet: unknown
હતો હું સુતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
દઇ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?>
મને કોણ મુખે મીઠાં ગીત્ ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ચડું તો ખમા આણી વાણી;
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતા તણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
-દલપતરામ