એક પળ- શ્રીરાધેશ્યામ શર્મા સાથે-૨૦૦૪

જુલાઈ-2007માં -‘તાદથ્યૅ’ મેગેઝીન પકટ થયેલ મારી એક ગઝલ “નભના નગર નીકળ્યાં” નો આસ્વાદ
રણજીતરામ સુવર્ણચદ્રક વિજેતા શ્રી રાધેશ્યામ શર્મા લખેલ છે જે આપની સમક્ષ રજૂ કરતા આનંદ થાય છે. આશ છે કે આપ સૌ ને ગમશે અને આપનો પણ અભિપ્રાય જરૂર આપશો.

********************************************

ગઝલનો આસ્વાદ

નભના નગર નીકળ્યાં ,તારલા સૌ જોવા નીકળ્યાં,
શેરીના શ્વાસ રુંધાયા, શ્વાન સૌ ભસવા નીકળ્યાં.

ક્યાં હતું મારું અહી કોઈ ઠેકાણું આ શહેરમાં,
ઝાંઝવાના ઝળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં ?

સગા- સંબંધીની ખુશામત અહી જિંદગી-ભર કરી,
કાંધો આપવા એ ઘેરથી બહું મોડા નીકળ્યાં.

ભલે દોસ્તી કરી લીધી સરિતાએ ભાન-ભુલી ને,
મોડું થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં.

-વિશ્વદીપ બારડ

શીષૅકશૂન્ય કૃતિ, પહેલી નજરે તો સાવ સામાન્ય લાગે પણ એકે એક મિસરો જરી ઝીણી નજરે જોઈ તો સંવેદનાનો વ્યાપ આવે.
અહી તો મતલો જ અધિક ધ્યાનાહૅ છે-‘નભના નગર નિકળ્યા’…
ગુજરાતી કાવ્યસાહિત્યમાં નગરકાવ્યો ઘણા છે. ત્યાં નગરની અંદર નભ વાણાયું, વણૅવાયું મળે કદી, પણ આહીં તો કવિએ નભના નગરને નીકળતાં વણૅવ્યાં છે.સિટી ઑવ સ્કાય. ‘નીકળ્યાં’ લખ્યું છે તે ઉપરથી એક નહિ અનેક નગરોની વાત છે.
નભ નક્કર નથી, વાદળસભર એક પ્રકારનો અવકાશ જ છે ક્યારેક પ્રવાહી હોવાનો અભાસ આપે. નભ અવકાશ રૂપે સ્થિર લાગે અને અભ્રની ગતિથી ચલિત લાગે. આમાં નગર નિકળ્યાં આલેખી ભાવકમાં કુતુહલ રોપ્યું કે આ નગરો નીકળીને ક્યાં જશે ? પણ ઉત્તરાધૅ કડી એનું શમન કરેછે ‘તારલા સૌ જોવા નીકળ્યાં’. નભનગરો નીકળવાની આશ્ર્યૅકારક ઘટનાને તારકો સૌ જોવા નિકળ્યાં. એનું પરિણામ શું આવ્યું? શેરીના શ્વાસ રુંધાયા,શ્વાન સૌ ભસવા નીકળ્યાં.
ઉધ્વૅ આકાશ સાથે સકલ તારકો નીકળી પડે ત્યારે નીચે પૃથ્વીવાસી શ્વાન ભયભીત બની ભસવા જ માંડેને. વળી એમનું ભસવાનું શેરીના શ્વાસ રુંધામણ પછીનું રિએકશન છે. નભનું નગર રૂપે અચાનક નીકળી પડવું અને એની લગોલગ તારલાનું જોવા નીકળવું-જેટલું સ્વભાવિક છે એટલું જ સાંકડી શેરીના શ્વાસનું રુંધાવું ને શ્વાનોનું ભસવું સહજ છે.

કવિની ખૂબી મતલામાં ભરી છે . બૃહદ વ્યાપક આકાશને , સંકીણૅ શેરી-શ્વાનની નક્કર વાસ્વિકતા સાથે સંકલિત કરી આપી.

બીજો શે’ર નાયકની આત્મલક્ષી-આવારાઆનિકેતનાનો અંદાજ આપેછે-‘ક્યાં હતું મારું અહીં કોઈ ઠેકાણું આ શહેરમાં ?’ બીજી તૂક પ્રશ્નાર્થી છે ‘ઝાંઝવાના જળ મને કેમ અહીં શોધવા નીકળ્યાં?’ અત્રે ‘ઝાંઝવાના જળ ; પ્રયોગથી નભ તેમજ નગરને પરોક્ષ રીતિર મૃગજળ ક્વ્યાં છે.

મત્લા બાદ લગભગ દરેક શે’ર સ્વતંત્ર છે. ત્રીજામાં , નાયકને સગાવહાલાંની અપેક્ષા રાખતો દર્શાવ્યો છે. અપેક્ષા હતી એટાલે તો જિંદગી-ભર સગા-સંબંધીની ખુશામત કરી. પણ અંતે પરિણામ ?
‘કાંધો આપવા એ ઘેરથી બહુ મોડા નીકળ્યાં’
‘બહું મોડા ‘ નીકળવાની પ્રસ્તુતિ ગઝલીઅતનો સામાન્ય મિજાજ દર્શાવે છે. જિંદગી આખી ખુશામત કરી કરી મરી ગયેલને સ્મશાન સગાં કાંધો આપવા તો ગયાં પણ બહુ મોડા નીકળ્યાં ઘેરથી ! વાહ…

‘ભલે દોસ્તી કરી લીધી સરિતાએ ભાન -ભૂલીને ‘
(અહીં સરિતા, ભાનભૂલી ભોળી માનવસુતા રૂપે પ્રત્યક્ષ થઈ)

ત્રીજા શે’રની ‘મોડી પડવાની ઘટના મકતામાં રિપીટ કરીને રચનાનો પ્રભાવ અલ્પ કર્યો લાગશે-‘મોડું થઈ ગયું, જ્યારે સાગરના પાણી ખારા નીકળ્યાં’.(નીકળ્યાં’નો રદીફ સચવાયો છે સતત, પણ એટલું જ … વિશેષ કંઈ નહીં)

પ્રસ્તુત કૃતિ કવિ વિશ્વદીપ બારડને મત્લાના જોર ઉપર જ ધન્યવાદપાત્ર ઠરાવે એવી રચાઈ છે. ‘નભમાં નગર” અલકાનગરીની સ્મૃતિ કોઈક સુજ્ઞોને રણઝણાવશે, કદાચ.

-રાધેશ્યામ શર્મા -જુલાઈ-૨૦૦૭ ‘તાદથ્યૅ’ મેગેઝીન, ગુજરાત